એક કાગડો હતો. તે દૂર જંગલોમાં રહે અને જ્યારે ભાદરવો મહિનો આવે ત્યારે શ્રાદ્વ ના દિવસોમાં ગામમાં ખીર-રોટલી ખાઈને વળી પાછો પોતાના જંગલ ફરી જાય આમ, હર વર્ષ કરતો. શ્રાદ્વના દિવસો પુરા થયા આથી કાગડો પોતાની ઘરે જતો રહ્યો।
એક દિવસ કાગડો પોતાના ઘરની બહાર ઝાડવાની ડાળ પર બેઠો હતો ત્યારે તેને જાત્રા કરીને પવિત્ર થવા માટે સ્નાન કરતા લોકો યાદ આવ્યા આથી તેને વિચાર આવ્યો કે હાલને હું પણ મનુષ્યની જેમ ઉજળો બની જાવ ! મનુષ્યોની જેમ જ દેશ – વિદેશની જાત્રાઓ કરીશ અને ત્યાંના પવિત્રાધામોમાં સ્નાન કરી અને પછી હું પણ પવિત્ર બની જઈશ ! આમ વિચારીને તે સુઈ ગયો.
બીજા દિવસે વહેલો ઉઠીને તે નીકળી ગયો પવિત્ર ધામના પવિત્ર સ્નાનની શોધમાં ! આ જાત્રા કરતા તે પોતાને સાવ ભૂલી જ ગયો હતો કે તે ઈર્ષાળુ અને મતલબી હતો, તે અભિમાની હતો અને વાત-વાતમાં ગુસ્સો કરતો આમ અત્યારે તો તેને પવિત્ર પાણીમાં સ્નાન કરીને ઉજળું થઈ જવું હતું.
કાગડો હાર ન માન્યો અને ત્યાંથી ઉડવા લાગ્યો અને ઉડતા – ઉડતા તે અયોધ્યાનગરી એટલે કે રામ ભગવાનની જન્મભૂમિ પર આવી ગયો. એક ઝાડ પર આરામ કરવા બેઠો એટલામાં ઝાડની નીચે થોડા માણસો વાતો કરતા હતા કે અહીં સરયૂ નદી ખુબ પવિત્ર છે. જો તેમાં સ્નાન કરીએ તો આપણે પાવન થઈ જઇએ. આ સાંભળતાની સાથે કાગડાનો બધો જ થાક ઉતરી ગયો અને તે તો પૂછતો – પૂછતો થોડીવારમાં સરયૂ નદીના કિનારે આવી ઉભો. અને મંડ્યો ડૂબકીઓ મારવા પરંતુ કાગડો અહીં પણ ઉજળો ન થયો.
કાગડો ત્યારબાદ હરિદ્વાર ગયો અને ગંગા નદીમાં ન્હાયો બધા જ લોકો કહેતા હોય છે કે ગંગાસ્નાનથી જાત્રાનો બધો જ થાક ઉતરી જાય અને આપણા બધા જ પાપ ધોવાય જાય આથી કાગડો તો મન ભરીને ગંગામાં ન્હાયો પણ તે ત્યાં પણ ઉજળો ન થયો અને થોડો નિરાશ થઈને ત્યાંથી ઉડી ગયો.
ત્યારબાદ તેને દ્વારિકાનગરીમાં સાગરને ગોમતીજીના પવિત્ર સંગમમાં પણ સ્નાન કર્યું , અને અંતે બધા જ કહેતા હોય કે જાત્રા કરીને જૂનાગઢના દામોદર કુંડમાં તો નહાવું જ પડે આથી તેને અંતે ત્યાં પણ સ્નાન કર્યું પણ કાગડો હતો એવો ને એવો રહ્યો।
કાગડો ઘરે આવતાની સાથે જ ગુસ્સો કરવા લાગ્યો, કોઈને મદદ ન કરવી, અકળ બતાવવી આમ એક અવગુણમાં સુધારો થયો નહી અને બધા જ પવિત્ર નદીના સ્નાન તેને ઉજળો બનાવી શક્યા નહીં આથી તે ખુબ દુઃખી થઈ ગયો અને રડવા લાગ્યો.
એટલામાં ત્યાંથી એક સંત પસાર થયા અને ઉદાસ કાગડાએ પોતાના ઉજળા થવાની વાત કરી ત્યારે સંતે તે ને તેના અવગુણ પ્રત્યે જાગૃત કર્યો કે આપણે પવિત્ર થવા માટે અંદરથી પવિત્ર થવું જરૂરી છે આપણે કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી જોઈએ.
હમેશા બધાની મદદ કરવી જોઈએ, કોઈના ઘરમાં ઝઘડા ન કરવાય આમ સાચું જ્ઞાન આપ્યું । આમ, સંતની પવિત્ર જ્ઞાનથી કાગડો પવિત્ર મન અને વિચારો સાથે ઉજળો – ઉજળો થઈ ગયો.
મિત્રો , આ વાત પરથી આપણે એ સમજવાનું કે આ કાગડોએ આજનો અજ્ઞાની માણસ છે જે પોતે પોતાના વર્તનમાં સુધારો કરી અને કોઈ સારા માણસની વાત સાંભળીને ઘરે બેઠા જ પવિત્ર થઈ શકે છે તેને બહારથી પવિત્ર થવા અનેક અનેક જાત્રાઓ કરવાની જરૂર નથી જો તે મનમાં રહેલી બીજા માટેની ઈર્ષા, રાગ, દ્વેષ, મોહ, લોભ નહીં છોડે તો તે અનેક જાત્રાઓ કરશે તો પણ એવો ને એવો જ રહેશે.